વચનામૃત ગઢડા મધ્યનું - ૪૧
સંવત ૧૮૮૦ કાર્તિક વદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને કંઠને વિષે પીળાં પુષ્પના હાર પહેર્યા હતા ને પાઘને વિષે પીળાં પુષ્પના તોરા ખોસ્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ કૃપા કરીને પોતાના ભક્તજનને ઉપદેશ કરતા થકા બોલ્યા જે, (૧) જેને પરમેશ્વર ભજવા હોય તેને ભગવાનની અથવા ભગવાનના ભક્તની સેવા-ચાકરી મળે ત્યારે પોતાનું મોટું ભાગ્ય માનીને તે સેવા કરવી તે પણ ભગવાનની પ્રસન્નતાને અર્થે ને પોતાના કલ્યાણને અર્થે ભક્તિએ કરીને જ કરવી, પણ કોઈક વખાણે તે સારુ ન કરવી. અને જીવનો તો એવો સ્વભાવ છે જે જેમાં પોતાને માન જડે તે જ કરવું સારું લાગે, પણ માન વિના એકલી તો ભગવાનની ભક્તિ કરવી પણ સારી લાગે નહિ, અને જેમ શ્વાન હોય તે સૂકા હાડકાને એકાંતે લઈ જઈને કરડે, પછી તેણે કરીને પોતાનું મોઢું છોલાય ને તે હાડકું લોહિયાળું થાય, તેને ચાટીને રાજી થાય છે, પણ મૂર્ખ એમ નથી જાણતો જે મારા જ મોઢાનું લોહી છે તેમાં હું સ્વાદ માનું છું, તેમ ભગવાનનો ભક્ત હોય તોપણ માનરૂપી હાડકાને મૂકી શકતો નથી અને જે જે સાધન કરે છે તે માનને વશ થઈને કરે છે, પણ કેવળ ભગવાનની ભક્તિ જાણીને ભગવાનની પ્રસન્નતાને અર્થે કરતો નથી અને ભગવાનની ભક્તિ કરે છે તેમાં પણ માનનો સ્વાદ આવે છે, ત્યારે કરે છે પણ કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે નથી કરતો અને માન વિના કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે ભગવાનની ભક્તિ તો રતનજી તથા મિયાંજી જેવા કોઈક જ કરતા હશે પણ સર્વેથી તો માનનો સ્વાદ મૂકી શકાતો નથી. પછી તે ઉપર મુક્તાનંદ સ્વામીએ તુલસીદાસની સાખી કહી જે :
कनक तज्यो कामनी तज्यो, तज्यो धातु को संग;
तुलसी लघु भोजन करी, जीवे मान के रंग.
એ સાખીને સાંભળીને શ્રીજીમહારાજ બોલ્યા જે, જેવો જીવને માનમાંથી સ્વાદ આવે છે તેવો તો કોઈ પદાર્થમાંથી આવતો નથી માટે માનને તજીને જે ભગવાનને ભજે તેને તો સર્વે હરિભક્તમાં અતિશે મોટો જાણવો. (૧) ઇતિ વચનામૃતમ્ ।।૪૧।। (૧૭૪)
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમારા ભક્તની સેવા મળે તો મોટું ભાગ્ય માનીને કલ્યાણ તથા પ્રસન્નતાને અર્થે ભક્તિએ કરીને કરવી, પણ માને કરીને કરવી નહીં. (૧) બાબત છે.
૧ પ્ર. માન વિના કેવળ અમારી પ્રસન્નતાને અર્થે અમારી ભક્તિ તો રતનજી તથા મિયાંજી જેવા કોઈક જ કરતા હશે એમ શ્રીજીમહારાજે કહ્યું તે શ્રીજીમહારાજની સાથે આવેલા મુક્તો તો માયાથી પર ને ચૈતન્યમૂર્તિ છે, તેમાં તો માયાનો ગુણ હોય જ નહિ ને કોઈક જ માન રહિત ભક્તિ કરતા હશે એમ કહ્યું તે કેવી રીતે સમજવું ?
૧ ઉ. એ તો રતનજી તથા મિયાંજીને મિષે સાધનિકને ઉપદેશ કર્યો છે, અને કોઈક જ કરતા હશે એમ કહ્યું છે, તે પણ સાધનદશાવાળા મુમુક્ષુઓમાંથી કોઈક જ કરતા હશે એમ કહ્યું છે, પણ આવેલા સિદ્ધમુક્તોને કહ્યું નથી, અને રતનજી તથા મિયાંજી પણ સાથે આવેલા મુક્ત હતા તેમને મિષે વાત કરી હોય તેણે કરીને એમને જ કહ્યું છે એમ ન જાણવું ।।૪૧।।